Single Post Banner

ડાંગરની ખેતીમાં અઝોલા-જૈવિક ખાતરની સફળ વાર્તા

dagar-farming

ડાંગર વલસાડ જીલ્લાનો મુખ્ય પાક તથા લોકોનો મુખ્ય ખોરાક છે. વલસાડ જીલ્લામાં મુખ્યત્વે કાળી, ચીકણી, પથરાળ અને ક્ષારીય જમીનો જોવા મળે છે જેની ફળદ્રુપતા ખુબ જ નબળી હોય છે. ડાંગરના પાકનુ વધારે ઉત્પાદન લેવા માટે ખેડુતો મોંઘા રાસાયણિક ખાતરોનો વપરાશ કરવા પ્રેરાય છે જેના કારણે ખાતર ખર્ચ વધે છે અને ખેતીમાં નફો અને જમીનની ફળદ્રુપતા ઘટે છે. વલસાડ જીલ્લામાં કાર્યરત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, અંભેટી, ડાંગરનો ખેતી ખર્ચ ઘટાડવા તથા જમીનની તંદુરસ્તી લાંબા સમય સુધી જળવાઇ રહે તે હેતુ થી છેલ્લાં પાંચ વર્ષથી વૈકલ્પિક ઉપાય તરીકે જૈવિક ખાતર-અઝોલાનો ડાંગરના પાકમાં પ્રયોગ હાથ ધરવામાં આવેલ. જે દરમ્યાન પારડી તાલુકાના અરનાલા ગામના ખેડૂતોને તાલીમ અને નિદર્શનના માધ્યમ દ્વારા અઝોલા વિશે સમજ પુરી પાડી ડાંગરના પાકમાં તેનો નવતર પ્રયોગ શરૂ કરવામાં આવેલ.

અઝોલા સામાન્ય રીતે બંધિયાર પાણીમાં ઉગતી એક જલીય વનસ્પતિ છે કે જેના પાનમાં બ્લ્યુ ગ્રીન આલ્ગી (Anabaena azollae) હોવાથી તેમાં નાઇટ્રોજન સંયોજીત થાય છે. અઝોલા અને બ્લ્યુ ગ્રીન આલ્ગી બંને સહજીવી છે તથા બંને સૌર ઊર્જાનો કાર્યક્ષમ ઉપયોગ કરીને વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનને સંયોજીત કરે છે. તાજા અઝોલામાં ૦.૨ થી ૦.૩ % અને સૂકા અઝોલામાં ૪ થી ૫% નાઇટ્રોજન તત્વ રહેલ હોવાથી તેનો વિવિધ પાકોમાં જૈવિક ખાતર તરીકે ઉપયોગ થાય છે. તેમાં પ્રોટીનનુ પ્રમાણ સવિશેષ હોવાથી તે પશુ આહારમાં પણ વપરાય છે. આ વનસ્પતિનો ઉપયોગ બાયોગેસ અને કૃમિ નિયંત્રણમાં પણ થાય છે